આ વખતનું ચોમાસું મુંબઈમાં ખુબ સક્રિય જોવા મળી રહ્યું છે. અત્યારે પણ ભારે વરસાદ પડી રહ્યો છે. બુધવારે ભારે વરસાદના કારણે મુંબઈ અને તેના પરા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યાં. સાયન, વડાલા રોડ રેલવે સ્ટેશન, થાણા સહિત અને વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેનાથી લોકોને ખુબ હાલાકી પડી રહી છે. આ બાજુ ગુરુવારે પણ ભારે વરસાદના પગલે મુંબઈ, થાણે અને કોંકણની શાળાઓ કોલેજો બંધ રહેશે.
હવામાન ખાતા તરફથી આજે મુંબઈ અને તેના પરા વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે ફ્લાઈટમાં થઈ રહેલા વિલંબના કારણે મુસાફરોને પરેશાની થઈ રહી છે. મુસાફરોએ મુંબઈ ડોમેસ્ટિક એરપોર્ટ બહાર ખુબ રાહ જોવી પડી રહી છે.
પશ્ચિમ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઓફિસરના જણાવ્યાં મુજબ વરસાદના કારણે સૂરત-મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન, મુંબઈ સેન્ટ્રલ-સૂરત ટ્રેન અને બાન્દ્રા ટર્મિનલ-વાપી ટ્રેનને નાલા સોપારાની પાસે પાણી ભરાવવાના કારણે કેન્સલ કરાઈ છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ રવિવાર સુધી વરસાદની ભીતિ સેવાઈ રહી છે.દરમિયાન મુમબીના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને મુંબઈમાં જનજીવન ફરી અસ્તવ્યસ્ત બન્યું હતું.
મુંબઈમાં ભારે વરસાદની અસર રેલ અને હવાઈ અવરજવર ઉપર પણ પડી છે. મુંબઈ લોકલ સહિત અન્ય ટ્રેનોના સંચાલનમાં મોડું થઈ રહ્યું છે તો મુંબઈ એરપોર્ટથી ફ્લાઈટ પણ લેટ ઉડાણ ભરી રહી છે. બીએમસીના જણાવ્યાં અનુસાર સતત વરસાદના કારણે મીઠી નદીનું સ્તર ખતરાના નિશાનને પાર કરી ગઈ છે. જેને જોતા બીએમસીએ આસપાસના વિસ્તારોને ખાલી કરાવી દીધા છે અને સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળ પર પહોંચાડી દેવાયા છે.