ભારતના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-2 ને ઈસરોએ નિર્ધારિત સમય 2:43 કલાકે લોન્ચ કર્યું. ખુબ જ કપરાં મિશનના લક્ષ્ય સુધી પહોંચવું એ કોઈ ચમત્કારથી જરાય કમ નથી. શ્રી હરિકોટાના સતીષ ધવન અંતરીક્ષ કેન્દ્રથી લોન્ચિંગ બાદ મિશનને ચંદ્ર સુધી પહોંચવામાં 40 દિનથી પણ વધુ સમય લાગશે.
આ મિશનનો સૌથી તણાવવાળો અને કપરો સમય ગણવો હોય તો તે ચંદ્ર પર લેન્ડિંગ અગાઉના 15 મિનિટ હશે. ભારતીય અંતરીક્ષ એજન્સી ઈસરોના ચીફ કે સિવને કહ્યું કે લેન્ડિંગ પહેલાની છેલ્લી 15 મિનિટ ખુબ જ પડકારજનક રહેશે. કારણ કે તે સમયે અમે કઈંક એવું કરીશું કે જે અત્યાર સુધી ક્યારેય કર્યું નથી.
અત્રે જણાવવાનું કે 15 જુલાઈના રોજ ક્રાયોજેનિક એન્જિનમાં લીકેજના કારણે ચંદ્રયાન 2નું લોન્ચિંગ ટળી ગયું હતું. ત્યારબાદ ઈસરોએ લોન્ચિંગની નવી તારીખ 22 જુલાઈ બપોરે 2:43 કલાકનો સમય નક્કી કર્યો હતો.
ચંદ્રયાન-2ના લોન્ચ થતા પહેલા ISROએ આ મિશન અંગે સંપૂર્ણ જાણકારી આપી હતી. ચંદ્ર અને પૃથ્વી વચ્ચે 3,84,000 કિમીનું અંતર છે. આ અંતર કાપવામાં કુલ 48 દિવસ લાગશે. શ્રીહરિકોટા સ્થિત ઈસરોના મિશન કંટ્રોલ સેન્ટરમાં ચંદ્રયાન 2ના લોન્ચિંગ માટે 250 વૈજ્ઞાનિકની ટીમ લાગેલી હતી. ચંદ્રયાન-2 અંતરિક્ષ યાનને બાહુબલી રોકેટ કહેવાતા જીએસએલવી માર્ક 3-એમ1 રોકેટની મદદથી બપોરે 2:43 કલાકે લોન્ચ કરાયું.
3.8 ટન વજન છે ચંદ્રયાનનું
ભારત તરફથી ચંદ્ર તરફ પ્રયાણ કરનારા ચંદ્રયાન-2નું વજન 3.8 ટન (3850 કિગ્રા) છે. આ ચંદ્રયાન-2 હેઠળ એક ઓર્બિટર, એક લેન્ડર અને એક રોવર પણ ચંદ્ર પર જશે. જેમના નામ ચંદ્રયાન-2 ઓર્બિટર, વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર છે. ચંદ્રયા-2ને ઈસરો આજે લોન્ચ કરી રહ્યું છે. પરંતુ ચંદ્રની સપાટી પર લેન્ડર વિક્રમ 7 સપ્ટેમ્બર 2019ના રોજ લેન્ડ કરશે.