ભારતે નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મુક્તાની સાથે જ અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં હલચલ મચી ગઈ છે.કારણ કે ભારતમાંથી વિશ્વના 100થી વધુ દેશોમાં ચોખાની નિકાસ થાય છે. સરકારના આ નિર્ણય બાદ એક તરફ જ્યાં અમેરિકાના સુપર માર્કેટમાં ચોખાના ભાવ આસમાને પહોંચી ગયા છે તો બીજી તરફ ગ્રાહકોને દુકાનોની બહાર લાંબી લાઈનમાં ઉભા રહેવું પડે છે. પરંતુ માત્ર અમેરિકા જ નહીં અન્ય દેશોમાં પણ મુશ્કેલી વધી રહી છે.
160 દેશોમાં ભારતીય ચોખાની માંગ છે
નોમુરાના જણાવ્યા અનુસાર, દેશમાંથી નિકાસ કરવામાં આવતા તમામ પ્રકારના ચોખાનો વૈશ્વિક બજારમાં 40 ટકા હિસ્સો છે. તે જ સમયે, બિન-બાસમતી ચોખાનો હિસ્સો લગભગ 25 ટકા છે. દેશમાંથી વિશ્વના લગભગ 160 દેશોમાં ચોખાની નિકાસ થાય છે. તેમાંથી મુખ્યત્વે પાંચ દેશો અમેરિકા, ઈટાલી, થાઈલેન્ડ, સ્પેન અને શ્રીલંકા સૌથી વધુ આયાત કરતા દેશો છે. જે સંપૂર્ણપણે ભારતીય ચોખા પર આધારિત છે. આ સિવાય અન્ય દેશોમાં સિંગાપોર, ફિલિપાઈન્સ, હોંગકોંગ, મલેશિયા જેવા દેશોનો સમાવેશ થાય છે.
અમેરિકામાં ભારત સરકારના આ નિર્ણય બાદ સ્થિતિ વધુ વણસી છે, સોશિયલ મીડિયા પર જે વીડિયો અને તસવીરો વાઈરલ થઈ રહી છે તે ચોખાની બોલાચાલીનું સ્પષ્ટ ચિત્ર રજૂ કરવા માટે પૂરતા છે. નોન-બાસમતી ચોખા ખરીદવા માટે લોકોની ભારે ભીડ યુએસના સુપર માર્કેટમાં પહોંચી રહી છે અને દરેક વ્યક્તિ 10-10 પેકેટ ચોખા ખરીદી રહી છે. આ દરમિયાન દેશમાં ચોખાના ભાવમાં પણ રાતોરાત વધારો જોવા મળ્યો છે, 9 કિલોના પેકેટની કિંમત વધીને $27 અથવા 2215 રૂપિયા થઈ ગઈ છે.
સરકારે 20 જુલાઈએ આ નિર્ણય લીધો હતો
2012 પછી ભારત ચોખાનો સૌથી મોટો નિકાસકાર છે, દેશમાંથી 2022-23માં નોન-બાસમતી ચોખાની કુલ નિકાસ US$ 4.2 મિલિયન થવાની ધારણા છે. જે અગાઉ નાણાકીય વર્ષ 2021-22માં 3.3 મિલિયન હતી. તે જ સમયે, વર્તમાન નાણાકીય વર્ષ 2023-24 (એપ્રિલ-જૂન) માં લગભગ 15.54 લાખ ટન નોન-બાસમતી સફેદ ચોખાની નિકાસ કરવામાં આવી છે, જે અગાઉના વર્ષ 2022-23 (એપ્રિલ-જૂન) કરતા 35 ટકા વધુ છે. 20 જુલાઈના રોજ એક મોટો નિર્ણય લેતા કેન્દ્ર સરકારે નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે ભારતે બાસમતી ચોખાની નિકાસ પર કોઈ પ્રતિબંધ લાદ્યો નથી.
દર મહિને ભારત અમેરિકાને 6000 ટન નોન-બાસમતી ચોખા સપ્લાય કરે છે, જેમાંથી 4000 ટન માત્ર તેલંગાણા અને આંધ્રપ્રદેશ માંથી મોકલવામાં આવે છે.
શા માટે સરકારે ચોખા પર પ્રતિબંધ મૂક્યો?
સરકારના જણાવ્યા અનુસાર સ્થાનિક બજારમાં ચોખાની કિંમતો સતત વધી રહી છે. છેલ્લા એક વર્ષમાં રિટેલ માર્કેટમાં તેની કિંમતમાં 11.5 ટકાનો વધારો થયો છે. જ્યારે છેલ્લા મહિનામાં જ ચોખા 3 ટકા મોંઘા થયા છે. આ બધાની વચ્ચે સ્થાનિક બજારમાં ચોખાના ભાવમાં ઘટાડો કરવા અને ચોખાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ગયા વર્ષે 8 ઓગસ્ટના રોજ સરકારે બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર 20 ટકા નિકાસ જકાત લાદી હતી. જે બાદ હવે તેની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
IMF પ્રતિબંધ હટાવવાની અપીલ કરે છે
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) અનુસાર, ભારત દ્વારા બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધની વૈશ્વિક ખાદ્ય ફુગાવા પર અસર થઈ શકે છે. IMFના મુખ્ય અર્થશાસ્ત્રી પિયર-ઓલિવિયર ગૌરીનચાસે કહ્યું છે કે અમે ભારત સરકારને ચોખાની નિકાસ પરના આવા નિયંત્રણો દૂર કરવા માટે કહીશું, કારણ કે તેની અસર વિશ્વ પર પડી શકે છે. એક ઉદાહરણ આપતા તેમણે કહ્યું છે કે ભારતના આ નિર્ણયની અસર કાળા સમુદ્રમાંથી યુક્રેનના અનાજની નિકાસ પર પ્રતિબંધ લગાવવા જેવી જ થશે, જેના કારણે અન્ય દેશોમાં ઘઉંના ભાવમાં વધારો થયો છે.