વર્ષ 2030 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જક હાંસલ કરવાના નિર્ધારિત લક્ષ્યને અનુરૂપ, ભારતીય રેલ્વેએ ઓરિસ્સામાં વર્તમાન બ્રોડગેજ નેટવર્કનું 100 ટકા વિદ્યુતીકરણ પૂર્ણ કર્યું છે. ઓરિસ્સાનું હાલનું 2,822 રૂટ કિલોમીટરનું બ્રોડગેજ નેટવર્ક હવે 100 ટકા ઇલેક્ટ્રીફાઇડ છે. તેના પરિણામે હૉલેજ ખર્ચમાં લગભગ 2.5 ગણો ઘટાડો થશે. વધુ પરિવહન ક્ષમતા, વિભાગીય ક્ષમતામાં વધારો, સંચાલન અને જાળવણીના ખર્ચમાં ઘટાડો કરશે, આયાતી ક્રૂડ ઓઈલ પર ઓછી નિર્ભરતા ઓછી થશે. સાથે ઉર્જા કાર્યક્ષમ અને પર્યાવરણને અનુકૂળ પરિવહન શક્ય બનશે. આ સિદ્ધિથી વિદેશી હૂંડિયામણ પણ બચશે. વધુમાં, રેલવેની 100 ટકા ઇલેક્ટ્રિફાઇડ નેટવર્કની નીતિને અનુરૂપ વીજળીકરણની સાથે નવા બ્રોડગેજ નેટવર્કને પણ મંજૂરી આપવામાં આવશે.
ઓરિસ્સા રાજ્યનો વિસ્તાર ઇસ્ટ કોસ્ટ, સાઉથ ઇસ્ટર્ન અને સાઉથ ઇસ્ટ સેન્ટ્રલ રેલ્વેના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. ઓરિસ્સાના કેટલાક મુખ્ય રેલ્વે સ્ટેશનોમાં ભુવનેશ્વર, કટક, પુરી, સંબલપુર, ભદ્રક, રૂરકેલા અને ઝારસુગુડાનો સમાવેશ થાય છે. ઓરિસ્સાથી દેશના અન્ય ભાગોમાં ખનિજ ઘટકો, કૃષિ ઉત્પાદનો અને અન્ય માલસામાનના પરિવહનમાં રેલ નેટવર્ક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ઓરિસ્સામાં પ્રથમ રેલ્વે લાઇન 1897 માં કટક-ખુર્દા રોડ-પુરી વચ્ચે બનાવવામાં આવી હતી. ઓરિસ્સા રાજ્યની કેટલીક પ્રતિષ્ઠિત ટ્રેનોમાં હાવડા-પુરી એક્સપ્રેસ, કોણાર્ક એક્સપ્રેસ, કોરોમંડલ એક્સપ્રેસ, હીરાકુડ એક્સપ્રેસ, વિશાખા એક્સપ્રેસ અને ભુવનેશ્વર – નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસનો સમાવેશ થાય છે. આ ટ્રેનો રાજ્યના વિવિધ ભાગો અને ભારતના અન્ય મોટા શહેરોને અનુકૂળ કનેક્ટિવિટી પૂરી પાડે છે.