નવી દિલ્હી: ભારતમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો મધ્યમ બની રહ્યો છે. જાન્યુઆરી 2023માં 4.73 ટકા રહ્યો છે, જે અગાઉના મહિનાના 4.95 ટકા કરતાં ઓછો હતો. ડેટા દર્શાવે છે કે, ફ્યુઅલ એન્ડ પાવર ગ્રૂપનો ઇન્ડેક્સ (13.15 ટકાના એકંદર વેઇટિંગ સાથે) જાન્યુઆરીમાં 1.39 ટકા ઘટીને 155.8 થયો હતો. ઓક્ટોબરમાં એકંદર WPI ફુગાવો 8.39 હતો અને ત્યારથી તે ઘટી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર સુધી સતત 18 મહિના સુધી જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) આધારિત ફુગાવો બે આંકડામાં રહ્યો હતો.
ગ્રામીણ અને શહેરી ભારતમાં છૂટક ફુગાવો અનુક્રમે 6.85 ટકા અને 6.00 ટકા હતો. જાન્યુઆરીમાં છૂટક મોંઘવારી વધવા માટે અનાજ, ઈંડા, મસાલા વગેરેએ ફાળો આપ્યો હતો. ભારતનો છૂટક ફુગાવો સળંગ ત્રણ ત્રિમાસિક ગાળા માટે આરબીઆઈના છ ટકાના લક્ષ્યાંકથી ઉપર હતો અને નવેમ્બર 2022માં જ આરબીઆઈના કમ્ફર્ટ ઝોનમાં પાછા આવવામાં સફળ રહ્યો હતો.
ગયા વર્ષે મે મહિનાથી, આરબીઆઈએ ફુગાવાને કાબુમાં લેવા માટે તાજેતરના 25 બીપીએસ વધારા સહિત ટૂંકા ગાળાના ધિરાણદરમાં 250 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. રેપો રેટ વધારવાથી અર્થતંત્રમાં માંગ ઘટાડવામાં મદદ મળે છે અને આ રીતે ફુગાવાનું સંચાલન કરવામાં મદદ મળે છે. લવચીક ફુગાવાના લક્ષ્યાંક માળખા હેઠળ, જો CPI આધારિત ફુગાવો સતત ત્રણ ત્રિમાસિક ગાળામાં 2-6 ટકાની રેન્જની બહાર રહે તો આરબીઆઈ નિષ્ફળ માનવામાં આવે છે. માર્ચ 2022-23માં પૂરા થતા ચાલુ નાણાકીય વર્ષ માટે, રિટેલ ફુગાવો જાન્યુઆરી-માર્ચ 2023ના ત્રિમાસિક ગાળામાં સરેરાશ 5.7 ટકા સાથે RBI દ્વારા 6.5 ટકા રહેવાનો અંદાજ છે.