કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને આદિજાતિ બાબતોના મંત્રી શ્રી અર્જુન મુંડાએ કૃષિ ભવન ખાતે કિસાન કોલ સેન્ટર આઉટબાઉન્ડ કોલ સુવિધા શરૂ કરી. આ સુવિધા કૃષિ ભવન સ્થિત ડીડી કિસાનના સ્ટુડિયોમાં સ્થાપિત કરવામાં આવી છે.
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય અધિકારીઓ હવે આ કેન્દ્ર માંથી ખેડૂતોને આઉટબાઉન્ડ કોલ કરીને મંત્રાલય દ્વારા અમલી યોજનાઓ પર પ્રતિસાદ મેળવી શકે છે. ઉપરાંત, સમયાંતરે, વિભાગીય મંત્રીઓ પણ યોજનાઓ વિશે દેશભરના કોઈપણ ખેડૂત સાથે સીધો સંવાદ કરી શકશે અને તેના પ્રતિસાદ અને સૂચનો મેળવી શકશે. આ દ્વારા ખેડૂતો પાસેથી પ્રતિસાદ મેળવીને તેમના હિતમાં યોગ્ય કામગીરી ઝડપથી કરી શકાશે. યોજનાઓની પ્રશ્નાવલિ અને લાભાર્થી ખેડૂતોની યાદી આ કેન્દ્રમાં ઉપલબ્ધ છે.
અહીં મુંડાએ તામિલનાડુ અને ઝારખંડના ખેડૂતોને બોલાવ્યા અને વાર્તાલાપ કર્યો અને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની વિવિધ યોજનાઓ દ્વારા ખેડૂતોને આપવામાં આવતા લાભો વિશે માહિતી મેળવી, જેમાં કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ, પ્રતિ ડ્રોપ-મોર ક્રોપ સહિતનો સમાવેશ થાય છે. તેમણે અન્ય ખેડૂતોને પણ આ યોજનાઓ વિશે જાગૃત કરવા અનુરોધ કર્યો હતો. શ્રી મુંડાએ અધિકારીઓને વિનંતી કરી કે તેઓ નિયમિતપણે પસંદ કરેલા ખેડૂતોને બોલાવે અને ખેડૂતોને યોજનાઓના વધુ સારા અમલીકરણ અને લાભો પહોંચાડવા માટે જરૂરી સુધારાઓ લાવવા ફીડબેક મિકેનિઝમનો ઉપયોગ કરે. આ પ્રસંગે સચિવ (કૃષિ અને ખેડૂત કલ્યાણ) શ્રી મનોજ આહુજા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય મંત્રી શ્રી મુંડાએ કૃષિ ભવનમાં કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોના હિતમાં ટૂંક સમયમાં શરૂ થનારી અન્ય સુવિધાઓ વિશે પણ માહિતી મેળવી હતી અને તેમણે ઈન્ટીગ્રેટેડ કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. આ કેન્દ્ર દ્વારા મંત્રાલયની વિવિધ ડિજિટલ સિસ્ટમોને એકીકૃત કરવાથી નીતિ ઘડતર અને નિર્ણયોમાં મદદ મળશે. અહીં, દેશભરના ખેતરોનો અભ્યાસ કરી શકાય છે, જેથી સરકાર માટે વધુ શું સુધારાઓ કરી શકાય તે નક્કી કરવામાં સરળતા રહેશે; ઉપરાંત, હવામાન, પાક, જમીનના આરોગ્ય, જીવાતોને લગતી માહિતીની ઉપલબ્ધતા દ્વારા ખેતીને ફાયદો થઈ શકે છે.