મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં 26 માર્ચથી 4 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. નાગપુર, મુંબઇ અને પૂના ઉપરાંત બીડ જિલ્લામાં પણ કોરોનાના મોટા પ્રમાણમાં કેસ જોવા મળ્યા હતા. અગાઉ નાગપુરમાં પણ વહીવટીતંત્રે 15 થી 21 માર્ચ સુધી લોકડાઉન પૂર્ણ કર્યું હતું. મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં નાઇટ કર્ફ્યુ પણ લાગુ છે. 10 દિવસના લોકડાઉન દરમિયાન બધા મેરેજ હોલ, હોટલ અને રેસ્ટોરન્ટ બંધ રહેશે. આ ઉપરાંત તમામ શાળા-કોલેજો પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ખાનગી કચેરીઓ બંધ રાખવાના ઓર્ડર પણ જારી કરાયા છે અને કર્મચારીઓને શક્ય તેટલું ઘરથી કામ કરવાની સુચનાઓ આપવામાં આવી છે. જો કે, આ સમયગાળા દરમિયાન દૂધ, દવા, શાકભાજી અને રેશન જેવી આવશ્યક ચીજવસ્તુઓ વેચતી દુકાનો ખુલી રહેશે.
નાગપુર, પુણે, મુંબઇ, અહમદનગર, ઓરંગાબાદ સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. મંગળવારે, બીએમસીએ હોળીને લઇને આદેશ જારી કર્યો હતો કે, જાહેર સ્થળોએ તહેવારની ઉજવણી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. મહારાષ્ટ્ર ઉપરાંત, ગુજરાતના 4 શહેરો પણ નાઇટ કર્ફ્યુ હેઠળ છે, જ્યારે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના ઘણા શહેરો પર પણ પ્રતિબંધો છે. સરકારે પંજાબના 12 જિલ્લામાં નાઇટ કર્ફ્યુ જાહેર કર્યો છે. આ ઉપરાંત દિવસના એક કલાક વાહનોને રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.