ભારતની જેમ બ્રાઝિલ અને આર્જેન્ટિનામાં પણ તીડનો ખતરો ઉભો થયો છે. આ ભયને ધ્યાનમાં લઈને બંને દેશોની સરકારો તીડના હુમલા પર નજર રાખી રહ્યા છે. એક દિવસમાં 150 કિમી (93 માઇલ) નું અંતર કાપી શકે તેવા તીડનાં ટોળા પહેલાથી જ પેરૂગ્વેથી આર્જેન્ટિનાની મુસાફરી કરી ચૂક્યા છે અને આશંકા છે કે બ્રાઝિલ અને ઉરુગ્વે આગામી લક્ષ્યો હોઈ શકે છે. બ્રાઝિલની સરકારે ખેડૂતોને સંભવિત તીડના હુમલા માટે સાવધ રહેવાની ચેતવણી આપી છે.
હાલ તીડ પેરુગ્વેમાં ઉદ્ભવી અને 21 મેના રોજ આર્જેન્ટિનામાં દાખલ થઈ ચુક્યા છે. તીડ પહેલાથી જ આર્જેન્ટિનાના સાન્તા ફે અને ફોર્મોસા પ્રાંતમાં પ્રવેશી ચૂક્યા છે, જ્યાં તેમણે મકાઈ, શેરડી, ઘઉં અને ઓટ પાકને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું છે. તીડનું ટોળું હાલમાં કોરિએન્ટિસ પ્રાંતમાં છે અને ત્યાં અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ તેમની અસર ઘટાડવામાં સફળ થયા છે. બ્રાઝિલ અને ઉરુગ્વે તીડનાં ટોળાઓ પર નજર રાખી રહ્યા છે. આર્જેન્ટિના અને આસપાસના દેશો તીડના ટોળા માટે કોઈ અજાણ્યા નથી. તાજેતરમાં જ, 2017 અને 2019 માં આર્જેન્ટિનામાં એક વિશાળ તીડનો હુમલો થયો છે.