નાણા મંત્રાલયે ડોલરને બદલે રૂપિયામાં વેપારને પ્રોત્સાહન આપવાના પગલાં અંગે ચર્ચા કરવા માટે અન્ય દેશો સાથે બેઠક બોલાવી છે. આ બેઠક માટે બેંકોના મુખ્ય કાર્યકારી અધિકારીઓ (CEO)ને બોલાવવામાં આવ્યા છે. તેમાં ખાનગી ક્ષેત્રની છ મોટી બેંકોના સીઈઓ પણ સામેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક 5 ડિસેમ્બરે યોજાશે અને તેમાં વિદેશ મંત્રાલય અને વાણિજ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ ભાગ લેશે. આ મામલે અત્યાર સુધી થયેલી પ્રગતિની પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું કે નાણા સેવાઓ સચિવ વિવેક જોશી બેઠકની અધ્યક્ષતા કરશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA)ના પ્રતિનિધિઓ પણ આ બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા છે. જુલાઈમાં, આરબીઆઈએ રૂપિયામાં ક્રોસ બોર્ડર ટ્રેડ સોદા માટે વિગતવાર માર્ગદર્શિકા જારી કરી હતી.
રૂપિયામાં વિદેશી વેપારને સરળ અને અનુકૂળ બનાવવા માટે અત્યાર સુધીમાં બે સ્થાનિક બેંકોમાં નવ વિશેષ વોસ્ટ્રો એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. વોસ્ટ્રો એકાઉન્ટ્સ એ સ્થાનિક બેંકો દ્વારા વિદેશી બેંકો માટે સ્થાનિક ચલણમાં ખોલવામાં આવે છે. ભારતના કિસ્સામાં તે રૂપિયો છે. ખાસ વોસ્ટ્રો એકાઉન્ટ ખોલવાના પગલાથી ભારત અને રશિયા વચ્ચે રૂપિયામાં વેપારનો માર્ગ સાફ થઈ ગયો છે. આનાથી ભારતીય ચલણ રૂપિયામાં ક્રોસ બોર્ડર વેપાર શક્ય બન્યો છે.
આરબીઆઈની માર્ગદર્શિકાને અનુસરીને, રશિયાની સૌથી મોટી Sberbank અને બીજી સૌથી મોટી VTB બેંક એવી પ્રથમ વિદેશી બેંક છે જેને વોસ્ટ્રો એકાઉન્ટ્સ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. અન્ય એક રશિયન બેંક ગેઝપ્રોમે પણ કોલકાતા સ્થિત યુકો બેંકમાં આ ખાતું ખોલાવ્યું છે.