કેટલીય વાર આપણને કે અન્ય કોઈ શહેરમાં રહેતાં કોઈ સંબંધીને રવિવારે કે અન્ય કોઈ દિવસે કે રાત્રે પૈસા મોકલવાની જરૂર પડે તો આપણે ફંડ ટ્રાન્સફર કરી શકતા નથી. હવે ટૂંક સમયમાં આ મુશ્કેલીનો અંત આવશે. કેમ કે, RBIએ એલાન કર્યું છે કે, NEFT 24×7 કરવામાં આવી શકશે.તેનો મતલબ એ છે કે તમે કોઈપણ દિવસે એટલે કે રજાનાં દિવસોમાં પણ કોઈપણ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર કરી શકશો.કેન્દ્રીય બેંકનો આ નિર્ણય આગામી 16 ડિસેમ્બરથી લાગુ થઈ જશે.
RBIએ એક પ્રેસ રિલીઝમાં કહ્યું છે કે, બેંકોનાં કામકાજની સામાન્ય અવધિ બાદ‘Straight Through Processing (STP)’મારફતે ઓટો મોડમાં NEFT થઈ શકશે. જો કે ટ્રાન્ઝેક્શનના બે કલાકની અંદર બેનિફિશયરીના એકાઉન્ટમાં પૈસા ક્રેડિટ કે પછી ઓરિજનલ બેંક એકાઉન્ટમાં રિટર્ન થવાની પહેલાંની સિસ્ટમ ચાલુ રહેશે.
RBIએ જણાવ્યું કે, NEFTની પ્રક્રિયા સાથે જોડાયેલાં તમામ દિશા-નિર્દેશ NEFT 24×7 સાથે જોડાયેલ લેન-દેનમાં પણ પ્રભાવી હશે.કેન્દ્રીય બેંકે તમામ બેંકોને એ સુનિશ્ચિત કરવા નિર્દેશ કર્યો છે કે ગ્રાહકોને આ સુવિધાનો ઉપયોગ કરવામાં કોઈ અડચણ ન આવે.સાથે જ તમામ બેંકોને આ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરવા માટે પણ આદેશ કર્યો છે.
વર્તમાન વ્યવસ્થા હેઠળ સોમવારથી શુક્રવાર સુધી સવારે 8થી સાંજે 7 વાગ્યા સુધી NEFT મારફતે ફંડ ટ્રાન્સફર કરી શકાય છે. તો મહિનાનાં પહેલાં અને ત્રીજા શનિવારે સવારે આઠથી બપોરે 1 વાગ્યા સુધી ફંડ ટ્રાન્સફર કરી શકાય છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ઓગસ્ટ મહિનામાં આ સુવિધાની જાહેરાત કરવામાં આવી હતી અને નવા નિયમ મુજબ પહેલું NEFT 16મી ડિસેમ્બરના રોજ 00:30 કલાકે કરવામાં આવશે.