ભારતીય રિઝર્વ બેંક (RBI) ની નાણાકીય સમિતિની બેઠકના પરિણામ બહાર આવ્યા છે. RBI એ ફરી એક વખત રેપો રેટ સ્થિર રાખ્યો છે. રેપો રેટ 4 ટકા પર સ્થિર છે. આનો અર્થ એ કે તમારી બેંકનો EMI ઘટશે નહીં. વાસ્તવમાં, રેપો રેટમાં ઘટાડા બાદ બેન્કો પર વ્યાજ દર ઘટાડવા માટે દબાણ છે. જો બેન્કો વ્યાજ દરમાં ઘટાડો કરે છે, તો EMI પણ નીચે જાય છે.
વર્તમાન સ્થિતિમાં, હવે રિઝર્વ બેંક રેપો રેટમાં ફેરફાર નહીં કરે તેનો અર્થ એ છે કે બેંકો લોનના વ્યાજ દરમાં ઘટાડો નહીં કરે. તમને જણાવી દઈએ કે સતત સાતમી બેઠકમાં RBIએ રેપો રેટ 4 ટકા પર સ્થિર રાખવાનો નિર્ણય કર્યો છે. RBIએ માંગ વધારવાના હેતુથી 22 મે, 2020 ના રોજ પોલિસી રેટમાં ફેરફાર કર્યો હતો અને તેને રેકોર્ડ નીચા સ્તરે લાવ્યો હતો. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે કોવિડ-19 કટોકટીમાંથી અર્થવ્યવસ્થા હજી સંપૂર્ણ રીતે સાજી થઈ નથી. આ જ કારણ છે કે રેપો રેટ સતત રાખવામાં આવ્યો છે.
તે જ સમયે, રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે. નાણાકીય સમિતિની બેઠકના પરિણામો વિશે માહિતી આપતા આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ 9.5 ટકા જાળવી રાખ્યો છે. છેલ્લા નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર 6.1% રહેવાની ધારણા છે.શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે કોવિડ -19 મહામારીની બીજી લહેરને કારણે અર્થતંત્ર આંચકામાંથી બહાર આવી રહ્યું છે. રસીકરણ ની ગતિ સાથે આર્થિક પ્રવૃત્તિઓ વધશે.
શું રહી શેરબજારની પ્રતિક્રિયા
રિઝર્વ બેંકની મોનેટરી કમિટીની બેઠક બાદ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. થોડા કલાકોનો વેપાર પછી, સેન્સેક્સ લગભગ 250 પોઇન્ટ ઘટીને 54,300 પોઇન્ટ પર આવી ગયો. આ સમયગાળા દરમિયાન રિલાયન્સના શેર માં સૌથી વધુ ઘટાડો થયો હતો.