કાર્વી સ્ટોક બ્રોકિંગનું કૌભાંડ અંદાજ કરતા વધુ હોવાની સંભાવનાઓ સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર સૂત્રોનાં અનુમાન મુજબ આ કૌભાંડ રૂ.2800 કરોડથી વધુ હોવાનું મનાય છે. એ રકમ સેબીના રૂ.2000 કરોડના અંદાજ કરતાં આશરે 40 ટકા વધુ છે. ફોરેન્સિક તપાસ બાદ સાચો આંકડો બહાર આવશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.
બીજી તરફ કાર્વીનું સ્ટોક બ્રોકિંગ લાઇસન્સ NSE અને BSE એ રદ કરી દેવાયું છે અને તે આજથી અમલમાં આવશે. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડે કેપિટલ માર્કેટ, ફ્યુચર&ઓપ્શન,કરન્સી ડેરિવેટિવ્ઝ, દેવું, એમએફએસએસ અને કોમોડિટીમાં અસરકારક રીતે એક્સચેંજની નિયમનકારી જોગવાઈઓનું પાલન નહીં કરવા બદલ કાર્વી સ્ટોક બ્રોકિંગ લિમિટેડને સસ્પેન્ડ કરી દીધું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ કાર્વી બ્રોકરેજ કંપની પર સેબીએ પ્રતિબંધ મૂકી દીધો છે. કંપની પર રૂ.2000 કરોડના કૌભાંડનો આરોપ છે જે દેશનું અત્યાર સુધીનું સૌથી મોટું ઇકવીટી બ્રોકર કૌભાંડ છે. સેબીના જણાવ્યાં અનુસાર કાર્વી સ્ટોક બ્રોકિંગ લિમિટેડે પોતાના ગ્રાહકોના ખાતામાં રાખેલ શેર વેચીને એપ્રિલ 2016થી ડિસેમ્બર 2019 વચ્ચે રૂ.1096 કરોડ પોતાના ગ્રુપની કંપની કાર્વી રિયલ્ટીમાં ટ્રાન્સફર કર્યા છે.