ઈસ્લામાબાદ: પાકિસ્તાનના સ્થાનિક મીડિયા અનુસાર, બલૂચિસ્તાનની રાજધાની ક્વેટા સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરી એકવાર ખાંડ અને લોટના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ગરીબીગ્રસ્ત બલૂચિસ્તાનના ઘણા જિલ્લાઓમાં ફરી એકવાર ખાંડ અને લોટની કિંમતો વધી રહી છે. ક્વેટા સહિત વિવિધ જિલ્લાઓમાં ખાંડ 130થી 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે જ્યારે લોટ 2600થી 4000 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવે વેચાઈ રહ્યો છે. દાલબંદિનમાં ખાંડની સૌથી વધુ કિંમત 200 પાકિસ્તાની રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે સહાબતપુરમાં લોટની સૌથી વધુ કિંમત 4000 રૂપિયા પ્રતિ 20 કિલો છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન રમઝાન દરમિયાન પણ લોટની કટોકટીનો સામનો કરી રહ્યું છે અને તેની અછત ચાલુ છે. અગાઉ, મે મહિનામાં પાકિસ્તાનના ફ્લોર મિલ્સ એસોસિએશને તમામ મિલોને અનિશ્ચિત સમય માટે બંધ કરવાની જાહેરાત કરી હતી. ફ્લોર મિલ એસોસિએશનના પ્રમુખ ચૌધરી અમીરે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ફૂડ વિભાગે તેમની સાથે છેતરપિંડી કરી હોવાથી ગુરુવારે સાંજે 7 વાગ્યાથી ફ્લોર મિલોને હડતાળ પર જવાની ફરજ પડશે. તેમણે કહ્યું કે જ્યારે સિંધની અંદરથી કરાચીમાં ઘઉંના આગમન પર પ્રતિબંધને કારણે મિલો હડતાળ પર ઉતરી હતી, ત્યારે પ્રાંતીય ખાદ્ય મંત્રીએ ઘઉંની પાંચ લાખ થેલીઓ સપ્લાય કરવાનું વચન આપ્યું હતું.