શેરડીના ખેડૂતોને હજુ પણ શેરડી પેટેના નાણાં ચૂકવવાના બાકી છે ત્યારે યોગી સરકારને હવે પ્રિયંકા ગાંધીએ તાત્કાલિક નાણાં ચૂકવી દેવા જણાવ્યું છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાએ યોગી સરકાર પાસે શેરડીનાં ખેડુતોનાં બાકી નીકળતા નાણાંની તાત્કાલિક ચુકવણી કરવાની માંગ કરી છે. તેમણે કોરોનો વાયરસ સંકટને કારણે વિવિધ મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ગરીબ લોકો, ખેડુતો અને મધ્યમ વર્ગને રાહત આપવાનું સૂચન કર્યું હતું.
ગાંધીએ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને લખેલા પત્રમાં કહ્યું છે કે, કોરોનો વાયરસ રોગચાળાથી સામાન્ય જીવન પ્રભાવિત થયું છે. શેરડીની ચુકવણીમાં વિલંબ થતાં ખેડુતોને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડુતો, ગરીબ લોકો અને મજૂરો ખૂબ જ ખરાબ હાલતમાં છે. આર્થિક સંકટની અસર મધ્યમ વર્ગ અને સામાન્ય કામદાર વર્ગને પણ ભારે પડી છે,જ્યારે ઉદ્યોગપતિઓ અને વેપારી વર્ગ હવે પોતાનું અસ્તિત્વ બચાવવા માટે સંકટનો સામનો કરી રહ્યા છે.
હવે આ વર્ગોની મદદ કરવી જરૂરી બની ગઈ છે. ચાર મહિનાના ખેડુતોનું વીજળી અને ટ્યુબવેલ બિલ માફ કરવા જોઈએ, જ્યારે બાકી વીજળીના બિલ પરના દંડ અને વ્યાજ પણ માફ કરવા જોઈએ. ખેડુતોની લોન પર ચાર માસનું વ્યાજ પણ માફ કરવુ જોઇએ, અને ખેડુતોને ખાતરી આપવામાં આવે કે તેમનો આખો પાક ખરીદે. શેરડી સહિતની તમામ ચુકવણી તાત્કાલિક કરવી જોઈએ.