ભારતમાં આજે ફરી એક વધુ વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે વધારો નોંધાયો છે. પેટ્રોલના ભાવમાં 26 પૈસા અને ડીઝલના ભાવમાં 28 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. ગઈકાલે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા ન હતા પરંતુ આજે સવારે ઓઇલ કંપનીઓ દ્વારા ભાવ અપડેટ કરાયા તેમાં ફરી એક વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરી દેવાયો હતો.
આ ભાવ વધારા બાદ ભોપાલ અને રાજસ્થાનના ગંગાનગર બાદ મુંબઈમાં પણ પેટ્રોલનો ભાવ 100 ને પાર નીકળી ગયો છે. દેશમાં મુંબઈ પ્રથમ મેટ્રોપોલીસ શહેર બન્યું છે કે જ્યાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને આંબી ગયા છે. આજે મુંબઈમાં પેટ્રોલનો ભાવ લીટર દીઠ સો રૂપિયા અને 19 પૈસા જોવા મળ્યો હતો.
દેશના અન્ય મુખ્ય શહેરોમાં પણ ભાવ વધારો ચાલુ છે. ચાર મુખ્ય શહેરની વાત કરીએ તો રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 93.94 અને ડીઝલનો ભાવ 84.89 પ્રતિ લીટર જોવા મળ્યો હતો.
જયારે મુંબઈમાં પેટ્રોલનો ભાવ 100.19 અને ડીઝલનો ભાવ 92.17 પૈસા જોવા મળ્યો હતો. જયારે કલકત્તામાં પેટ્રોલનો ભાવ 93.97 અને ડીઝલનો ભાવ 87.74 અને ચેન્નાઈમાં પેટ્રોલનો લીટર દીઠ ભાવ 95.51 અને ડીઝલનો ભાવ 89.65 પર સ્થિર થતા જોવા મળ્યા છે.