પ્રધાનમંત્રી 13-15 જુલાઈ, 2023 દરમિયાન ફ્રાન્સ અને UAEની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13-15 જુલાઈ 2023 દરમિયાન ફ્રાન્સ અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ની સત્તાવાર મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી ફ્રાન્સના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી એમેન્યુઅલ મેક્રોનના આમંત્રણ પર 13-14 જુલાઈ 2023 દરમિયાન પેરિસની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી 14 જુલાઈ 2023ના રોજ બેસ્ટિલ ડે પરેડમાં સન્માનિત અતિથિ હશે, જ્યાં ભારતીય સશસ્ત્ર દળોની ત્રિ-સેવાઓની ટુકડી ભાગ લેશે.

પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ મેક્રોન સાથે ઔપચારિક વાતચીત કરશે. રાષ્ટ્રપતિ મેક્રોન પ્રધાનમંત્રીના સન્માનમાં સ્ટેટ બેન્કવેટ તેમજ ખાનગી રાત્રિભોજનનું આયોજન કરશે.

પ્રધાનમંત્રી ફ્રાન્સના પ્રધાનમંત્રી તેમજ સેનેટ અને ફ્રાન્સની નેશનલ એસેમ્બલીના પ્રમુખોને પણ મળવાના છે. તેઓ ફ્રાન્સમાં ભારતીય ડાયસ્પોરા, ભારતીય અને ફ્રેન્ચ કંપનીઓના સીઈઓ અને અગ્રણી ફ્રેન્ચ હસ્તીઓ સાથે અલગથી વાર્તાલાપ કરશે.

આ વર્ષે ભારત-ફ્રાન્સની વ્યૂહાત્મક ભાગીદારીની 25મી વર્ષગાંઠ છે અને પ્રધાનમંત્રીની મુલાકાત વ્યૂહાત્મક, સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક, શૈક્ષણિક અને આર્થિક સહયોગ જેવા વિવિધ ક્ષેત્રોમાં ભવિષ્ય માટે ભાગીદારીનો માર્ગ તૈયાર કરવાની તક પૂરી પાડશે.

પ્રધાનમંત્રી ત્યારબાદ 15 જુલાઈએ અબુ ધાબીની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી UAEના પ્રમુખ અને અબુ ધાબીના શાસક એચએચ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે વાતચીત કરશે. ભારત-યુએઈ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સતત મજબૂત થઈ રહી છે અને પ્રધાનમંત્રીની મુલાકાત ઊર્જા, શિક્ષણ, આરોગ્યસંભાળ, ખાદ્ય સુરક્ષા, ફિનટેક, સંરક્ષણ અને સંસ્કૃતિ જેવા વિવિધ ક્ષેત્રોમાં આને આગળ લઈ જવાના માર્ગો ઓળખવાની તક હશે. તે વૈશ્વિક મુદ્દાઓ પર સહકારની ચર્ચા કરવાની પણ તક હશે, ખાસ કરીને UNFCCCના COP-28ના UAEની પ્રેસિડેન્સી અને ભારતની G-20 પ્રેસિડેન્સીના સંદર્ભમાં જેમાં UAE ખાસ આમંત્રિત છે.

(Source: PIB)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here