મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે. ચોમાસાના આગમનથી શુક્રવાર (28 જૂન) ઘણી વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. પહેલા વરસાદની સાથે જ લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો ઘણી જગ્યાએ પાણી ભરાઇ ગયા છે. ભારે પવન સાથે વરસાદના કારણે વિઝિબિલિટિ પણ ઓછી થઇ ગઇ છે અને કેટલીક જગ્યાએ તો ટ્રાફિક જામ થવાના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
વરસાદના કારણે મુંબઇના તાપમાનમાં પણ ઘટાડો આવ્યો છે. અત્યારે મુંબઇનું તાપમાન 27 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. ઘણા સમયથી વરસાદની રાહ જોઇ રહેલા મુંબઇવાસીઓને ગરમીથી રાહત મળી પરંતુ પાણી ભરાવવાના કારણે મુશ્કેલીઓનો સમાનો કરવો પડી રહ્યો છે.
અંધેરી, ધારાવી, વસઇ, કાંદિવલી, બોરિવલી સહિતના ઘણા વિસ્તારોમાં વરસાદના કારણે પાણી ભરાઇ ગયા છે. ટ્રાફિક જામ સર્જાયો છે. બીએમસીએ કોઇ દુર્ઘટનાથી બચવા માટે લોકોને મેનહોલ ખોલવાની ના પાડી છે.
સેન્ટ્રલ રેલવે પર વરસાદની અસરના કારણે ટ્રેન અડધો કલાક મોડી ચાલી રહી છે. સવારે મુંબઇ એરપોર્ટ પર પણ વિઝિબિલિટિ ઓછી હતી, જેના કારણે એક ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી હતી. જો કે, હાલ ઓપરેશન સામાન્ય ચાલી રહ્યું છે.
ભારતમાં હવામાનની જાણકારી આપનાર પ્રાઇવેટ એજન્સી સ્કાઇમેટે ગુરુવારે જ મુંબઇમાં ભારે વરસાદ થવાની આગાહી કરી હતી. સ્કાઇમેટનું કહેવું હતું કે, આગામી 48 કલાકમાં મુંબઇમાં 100 મિમી સુધી વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત અલીબાગ, કોલ્હાપુર, મુંબઇ સબઅર્બન, નાગપુર, પાલઘર, પુણે, રાયગઢ, રત્નાગિરી, સાંગલી, સતારા, સિધુદુર્ગ અને
ઠાણેમાં પણ ભારે વરસાદની આગાહી દર્શાવી હતી.ત્યારે સંભાવના દર્શાવવામાં આવી રહી છે કે, મહારાષ્ટ્રના તટ વિસ્તાર, મુંબઇ, ઠાણે, રત્નાગિરી અને આસપાસના વિસ્તારોમાં આગામી 24-36 કલાકમાં ભારે વરસાદ થવાની સંભાવના છે