ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદની બે સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસું બરાબર જામ્યું છે. બુધવારે વડોદરામાં બાર મેઘ ખાંગા થયા પછી હવે શુક્રવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘો મંડાણો છે. રાજકોટમાં ચાર કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. રાજકોટમાં 6 ઇંચથી પણ વધારે વરસાદ પડ્યો હોવાના સમાચાર છે. આ ઉપરાંત, ગીર-સોમનાથ જિલ્લા અને અમરેલીમાં પણ આજે દિવસ દરમિયાન સતત વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ અને વાપી જિલ્લાને વરસાદ ઘમરોળી રહ્યો છે.
હવામાન વિભાગના દ્વારા સવારે 6 કલાકથી બપોરે 4 વાગ્યા સુધીમાં રાજ્યમાં પડેલા વરસાદના આંકડા આપવામાં આવ્યા છે. રાજ્યના 25 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ, જ્યારે 44 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં સુરતના માંગરોળમાં અત્યાર સુધી સૌથી વધુ 5 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત અમરેલીમાં 4.5 ઈંચ, વલાસાડના પારડીમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. વાપી, ગીરગઢડા અને લીલીયામાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટમાંચાર કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને અત્યાર સુધીમાં 6 ઈંચ વરસાદ પડી ગયો છે.
ગુજરાત સરકાર દ્વારા વડોદરાને પુરની આફત માટે રૂ.2 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે અને મુખ્ય મંત્રી વિજય રૂપની પણ પોતાનો પ્રવાસ ટૂંકાવીને રાજકૂથી બરોડા પહોંચી ગયા છે.
રાજકોટમાં બપોર પછી વિજળીના કડાકા-ભડાકા સાથે શરૂ થયેલા વરસાદના કારણે શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં છે. અત્યાર સુધીમાં શહેરમાં 6 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. હજુ પણ વરસાદ ચાલુ હોવાના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે અને તેના કારણે શહેરમાં ટ્રાફિક જામ પણ જોવા મળી રહ્યો છે.