મુંબઈ:નાણાકીય ટ્રાન્ઝેક્શન્સની માહિતી આપવાનું ફરજિયાત બનાવવાના નિર્ણયથી કોર્પોરેટ મહારથીઓની પરેશાની વધી છે. ઘણા CEOs નવા નિયમની અણધારી અસરોમાંથી બચવા દોડાદોડી કરી રહ્યા છે. સેબીના નવા નિયમ અનુસાર કંપનીના આંતરિક વર્તુળોએ તેમના તમામ નાણાકીય ટ્રાન્ઝેક્શન્સની માહિતી આપવી પડશે.
સેબીના ‘મટિરિયલ ફાઇનાન્શિયલ રિલેશનશિપ્સ’ અંગેના ધોરણોમાં એક્ઝિક્યુટિવે પરિવારના સભ્ય અથવા સંબંધીને નાણાં ચૂકવ્યા હોય અને આ રકમ વ્યક્તિની વાર્ષિક આવકના ૨૫ ટકાથી વધુ હોય તો તેણે એ ટ્રાન્ઝેક્શનની માહિતી આપવી પડશે. પગલાનો હેતુ ઇન્સાઇડર ટ્રેડિંગને નિયંત્રિત કરવાનો છે, પણ ભારતીય કોર્પોરેટ જગતમાં ઘણા તેને અલગ રીતે જોઈ રહ્યા છે. નિષ્ણાતોના મતે આવા ઘણા ટ્રાન્ઝેક્શન્સ વ્યક્તિગત હોય છે અને કંપનીના આંતરિક વર્તુળો માલિકને તેની માહિતી આપવા માંગતા નથી.
તાજેતરમાં ગુજરાત સ્ટેટ પેટ્રોનેટના એક ટોચના અધિકારીએ સેબીને લખ્યું હતું કે, તે પૌત્રીના વિદેશ અભ્યાસની ફી ચૂકવે છે, જે સીધી યુનિવર્સિટીના ખાતામાં જમા થાય છે. તેમણે આવી વ્યવસ્થાને ‘મટિરિયલ ફાઇનાન્શિયલ રિલેશનશિપ’ની મર્યાદામાંથી મુક્ત રાખવાની માંગણી કરી હતી. આ વિનંતી સેબીની અનૌપચારિક ગાઇડન્સ સ્કીમ હેઠળ કરવામાં આવી હતી. જેમાં બજાર વર્તુળો અનૌપચારિક ધોરણે સેબીનો કાનૂની અભિપ્રાય લઈ શકે છે. જોકે, સેબી તેની સાથે સંમત નથી.
સેબીના ગાઇડન્સમાં જણાવ્યા અનુસાર “સંબંધિત વ્યક્તિએ પૌત્રીના નામની માહિતી આપવી જરૂરી છે અને પૌત્રી સગીર હોય તો તેના માતાપિતા અને ગાર્ડિયનના નામ પણ જણાવવા પડશે.” GSPLના અન્ય અધિકારીએ પુત્રી માટે ખરીદેલી પ્રોપર્ટીની માહિતી જાહેર કરવામાંથી મુક્તિ આપવાની માંગણી કરી હતી. જોકે, બંને અધિકારીની માંગણીના જવાબમાં સેબીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, GSPLના અધિકારીઓના ટ્રાન્ઝેક્શન ‘મટિરિયલ ફાઇનાન્શિયલ રિલેશનશિપ’ ગણાશે.
કાયદા નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, તેમની પાસે નવા નિયમની અસર અંગે ટોચના કંપની એક્ઝિક્યુટિવ્સના પ્રશ્નો આવ્યા હતા. અગ્રણી કોર્પોરેટ લોયરે જણાવ્યું હતું કે, “મારા ક્લાયન્ટે પુત્રીના લગ્ન ખર્ચના નાણાં ચૂકવ્યા હતા અને એ રકમ જમાઈના ખાતામાં જમા કરવામાં આવી હતી. કેસ થોડો જટિલ હતો, કારણ કે તેમનો જમાઈ સ્ટોક ટ્રેડર હતો.”
કાનૂની નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ‘મટિરિયલ ફાઇનાન્શિયલ રિલેશનશિપ’નો કોન્સેપ્ટ કંપનીના આંતરિક વર્તુળો દ્વારા સંબંધીઓને તેમના વતી ટ્રેડિંગ કરવા ભંડોળની ફાળવણી કરતા અટકાવવાનો હતો. સેબીની ઘણી તપાસ દર્શાવે છે કે, કંપનીના આંતરિક વર્તુળોના નજીકના સગાંએ કંપનીના અધિકારીઓ વતી જાહેર નહીં થયેલી (સંવેદનશીલ) માહિતીના આધારે ટ્રેડિંગ કર્યું છે. ખૈતાન એન્ડ કંપનીના પાર્ટનર મોઇન લાઢાએ જણાવ્યું હતું કે, “મોટા ભાગના ટોચના કંપની અધિકારીઓ લિસ્ટેડ કંપનીને વ્યક્તિગત માહિતી આપવા માંગતા નથી.”