મુંબઈ: રત્ન અને ઘરેણાં ઉદ્યોગની માંગ ગત 6 માસમાં 30 ટકા જેટલી ઘટી છે. ઉદ્યોગ જગતના એક ટોચના વ્યક્તિએ આ અંગે માહિતી આપી હતી. અખિલ ભારતીય રત્ન અને આભૂષણ ઘરેલુ પરિષદના અધ્યક્ષ અનંત પદ્મનાભને જણાવ્યું હતું કે પાછલાં 6 માસ દરમિયાન વ્યાપારમાં 30 ટકાનો ઘટાડો થયો છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અમે અગાઉ જ પ્રધાનમંત્રી કાર્યાલય,ગૃહમંત્રી અને નાણાં મંત્રીનો સંપર્ક સાધ્યો હતો અને આયાત શુલ્ક અને જીએસટી ઘટાડવાની માંગ કરી હતી. પદ્મનાભને દાવો કર્યો હતો કે કસ્ટમ ડ્યુટી, જીએસટીમાં વૃદ્ધિને કારણે સોનાની દાણચોરીમાં વધારો નોંધાયો છે.આ ઉપરાંત ગ્રાહકો દુબઇ, નેપાળ, શ્રીલંકા,સિંગાપુર જેવા દેશોમાંથી પણ સોનુ ખરીદી રહ્યા છે.
સરકાર 2020ના બજેટમાં આયાત શુલ્કને વર્તમાન 12.5 ટકાથી ઘટાડીને 6 ટકા કરવા પર વિચાર કરી શકે છે. પદ્મનાભને સરકાર સમક્ષ 15 જાન્યુઆરી,2021થી દેશભરમાં સોનાનું હોલમાર્કિંગ ફરજીયાત કરવાની નોટિફિકેશન જારી કરતાં અગાઉ એક સંચાલન સમિતિનું ગઠન કરવાની અપીલ કરી છે.સંચાલન સમિતિના માધ્યમથી સરકાર હોલમાર્કિંગ પર નોટિફિકેશન જારી કર્યા ગૌ આભૂષણ ઉદ્યોગની નજરોથી અવગત થઇ શકે છે. દેશમાં અલગ અલગ કારણોસર સોનાની આયાત ઘટી ગઈ છે. વર્ષ 2019માં સોનાની આયાત 710 ટન થઇ છે જ્યારે ગતવર્ષના સમાન સમયગાળામાં તે 766 ટન હતી.
અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલ તંગદિલી અને આભૂષણ ઉદ્યોગ પર તેના પ્રભાવ બાબતે પૂછવામાં આવેલ એક સવાલના જવાબમાં તેઓએ કહ્યું હતું કે તેનાથી વર્ષ 2020માં સોનાની કિંમતોમાં વટઘટ જોવા મળી શકે છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી સુધી સોનાની કિંમતોમાં વટઘટ રહેશે .