મહારાષ્ટ્ર ના રાજકારણ અંગે મોટા સમાચાર આવી રહ્યાં છે. મહારાષ્ટ્ર સરકારમાં શરદ પવાર ‘સુપર બોસ’ બની શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ સરકારને સલાહ આપવા માટે એક સમિતિ બનશે. આ સમિતિ ત્રણેય પાર્ટીઓની ભેગી હશે જે સરકારને સલાહ આપશે. આ સમિતિ મુખ્યમંત્રીને પણ સલાહ આપશે. પવાર આ સમિતિના પ્રમુખ બની શકે છે. આ સમિતિ યુપીએ ફોર્મ્યુલાના આધારે બનાવવામાં આવી છે. મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકારની શપથગ્રહણ થવા જઈ રહી છે. કાલે ઉદ્ધવ ઠાકરે શિવાજી પાર્કમાં શપથ લેશે. મમતા બેનરજી, નીતિશકુમાર, જગનમોહન રેડ્ડી શપથગ્રહણમાં સામેલ થઈ શકે છે. ઠાકરે 30 નવેમ્બર સુધીમાં બહુમત સાબિત કરી શકે છે. જો કે ઠાકરેના શપથગ્રહણ અગાઉ જ મહાવિકાસ આઘાડીમાં સત્તાના વર્ચસ્વની ગડમથલ જોવા મળી રહી છે. અજિત પવાર ને મુખ્યમંત્રી બનાવવા માટે બારામતીમાં પોસ્ટર લાગ્યા છે.
આ બાજુ સૂત્રોના જણાવ્યાં મુજબ અજિત પવારને એનસીપી ફરીથી વિધાયક દળના નેતા બનાવી શકે છે. એનસીપી વિધાયક દળની બેઠક આજે સાંજે થવાની શક્યતા છે. કાકા શરદ પવાર અને ભત્રીજા અજિત પવાર વચ્ચે થયેલા વિવાદ બાદ એનસીપી અજિત પવારની પહેલા હતી તે સ્થિતિ બહાલ કરવા માંગે છે. જો કે એ સ્પષ્ટ નથી કે અજિત પવાર ડેપ્યુટી સીએમ હશે કે પછી તેમને કોઈ મંત્રાલય સોંપવામાં આવશે. અજિત પવારે બળવો પોકાર્યા બાદ તેમને એનસીપી વિધાયક દળના નેતા પદેથી હટાવવામાં આવ્યાં હતાં અને તેમની જગ્યાએ જયંત પાટિલને બનાવવામાં આવ્યાં હતાં.