પાછલા વર્ષોની તુલનામાં ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ (જીએસટી) ભરનારામાં ખાસ્સો એવો વધારો થયો છે. એકલા કચ્છમાં અત્યાર સુધીમાં કુલ 3,૦૦૦ કરોડનો જીએસટી એકત્રિત કરવામાં આવ્યો છે. આ માહિતી સેન્ટ્રલ જીએસટીના જોઇન્ટ કમિશનર ઝાકિર હુસેન અને સેન્ટ્રલ જીએસટીના આસિસ્ટન્ટ કમિશનર શશીકાંત શર્માએ આપી હતી. હુસેન અને શર્મા ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, સેન્ટ્રલ જીએસટી અને સ્ટેટ જીએસટી દ્વારા સંયુક્ત રીતે ગાંધીધામમાં આયોજિત “ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ના બે વર્ષ” વિષયના સેમિનારના ભાગ લેનારાઓને સંબોધન કરી રહ્યા હતા.
રાજ્યના જીએસટીના ડેપ્યુટી કમિશનર ભુપેન્દ્ર શ્રીમાળીએ જણાવ્યું હતું કે, ‘અમારું વિભાગ સ્ટાફની તંગીનો સામનો કરી રહ્યું છે, તેથી અમે ટેક્સ ભરનારાઓને અમારી સાથે સહયોગ આપવા વિનંતી કરીએ છીએ.’ ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના મેનેજિંગ ડિરેક્ટર નિમિષ ફડકેએ જણાવ્યું હતું કે, મોટા, મધ્યમ અને નાના ઉદ્યોગના તમામ લોકો સીધા જીએસટી પર તેમના પ્રશ્નો મોકલી શકે છે. સેમિનારમાં હાજર રહેલા લોકોમાં ઓલ ઇન્ડિયા માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિનાશ દલાલ અને ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના ડાયરેક્ટર તલાકશી નંદુ શામેલ હતા. સેમિનારમાં 50 થી વધુ ઉદ્યોગોના મળીને 150 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.