ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં ખાંડના ભાવ આકાશને આંબી ગયા છે, અને આ વધતા ભાવને કારણે સામાન્ય માણસ ખૂબ નારાજ છે.
દેશના 16 મોટા શહેરોમાં ખાંડના ભાવ પ્રતિ કિલો 100 રૂપિયાને પાર કરી ગયા છે. આંકડા વિભાગે જાહેર કર્યું કે, ગયા અઠવાડિયે ખાંડના ભાવમાં પ્રતિ કિલો રૂ.10 સુધીનો વધારો જોવા મળ્યો છે. આંકડા વિભાગના જણાવ્યા અનુસાર લાહોર અને બહાવલપુર માં પ્રતિ કિલો રૂ. 5 નો વધારો જોવાયો છે, જ્યારે સરગોધા, બન્નુ અને સુક્કુરમાં પ્રતિ કિલો રૂ.4 નો વધારો જોવા મળ્યો છે. ઇસ્લામાબાદ અને કરાચીના નાગરિકો પાસે અન્ય શહેરોની તુલનામાં મોંઘી ખાંડ ખરીદવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. લોકો સરકાર પાસે મોંઘવારી ઘટાડવા માંગ કરી રહ્યા છે.
પાકિસ્તાનને ખાંડની અછતનો સામનો કરવો પડી રહ્યો છે અને સરકાર તેની આયાત કરવાનો પ્રયાસ કરી રહી છે. ખાંડની અછતને પહોંચી વળવા અને સ્થાનિક ભાવ ઘટાડવા માટે સરકારે 2020 માં ખાંડની આયાતને મંજૂરી આપી હતી. પાકિસ્તાનના ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા પાછલા મહિનાઓ દરમિયાન ખાંડની ખરીદીના ટેન્ડરની શ્રેણીબદ્ધ જારી કરવામાં આવી છે.
પાકિસ્તાનમાં ખાંડ ઉદ્યોગ અનેક વિવાદોથી ઘેરાયેલા છે. ખાંડની અછત દેશમાં એક મોટી સમસ્યા બની ગઈ છે અને તે જ સમયે ખાંડ ઉદ્યોગ પર અનેક વખત ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો છે, જેના આધારે તપાસ હજુ ચાલુ છે.