શેરબજારમાં મિડ-કેપ અને સ્મોલ-કેપ સેગમેન્ટ્સને લઈને ટ્રેડર્સ નિરાશ છે ત્યાં શુગર શેર્સ ‘છૂપા રુસ્તમ’ સાબિત થયા છે. તેમણે મિડ-કેપ અને સ્મોલ-કેપ સેગમેન્ટ્સ જ નહિ પરંતુ લાર્જ-કેપ્સને પણ આઉટપર્ફોર્મ કર્યા છે.
શુગર શેર્સ તેમના 52 સપ્તાહના તળિયાથી 218 ટકા સુધીનું રિટર્ન દર્શાવી રહ્યા છે. મોટા ભાગના શુગર શેર્સે તેમના વાર્ષિક તળિયાથી નોંધપાત્ર સુધારો નોંધાવ્યો છે અને કેટલાક તેમણે દોઢ-બે વર્ષ અગાઉ દર્શાવેલી ટોચની નજીક પહોંચ્યા છે અને તેઓ ફરી ઓલ-ટાઇમ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. અલબત્ત, શુગર શેર્સમાં આટલા મોટા સુધારાના કોઈ મોટાં ફંડામેન્ટલ કારણો હાલમાં નથી જ જોવા મળી રહ્યાં.
શુગર સેક્ટર શેરબજાર રોકાણકારો માટે ખાસ આકર્ષક નથી રહ્યું કેમ કે શુગર ક્ષેત્રના શેર્સનું વર્તન હંમેશા અકળ રહ્યું છે. કોમોડિટી શેર્સ હોવાના કારણે અને સરકારી નીતિઓ ઉપરાંત વૈશ્વિક બજારમાં ઉત્પાદન-માગ સાથે મોટી નિસ્બતને કારણે શુગર શેર્સ બ્રોડ માર્કેટથી ભિન્ન રીતે વધઘટ દર્શાવતા રહ્યા છે અને આ વખતે પણ આમ જ જોવા મળ્યું છે.
જેના કારણે છેલ્લા આઠ-દસ મહિનામાં શુગર શેર્સે નોંધપાત્ર સુધારો દર્શાવ્યો છે. જેમાં ધામપુર શુગરે 218 ટકાનું તીવ્ર વળતર દર્શાવ્યું છે. ઉલ્લેખનીય છે કે કેલેન્ડર 2016 અને 2017માં શુગર શેર્સે અસાધારણ તેજીમાં 2005માં દર્શાવેલી ટોચને નોંધપાત્ર માર્જિનથી પાછળ રાખી હતી.
જોકે ત્યાર બાદ મિડ-કેપ રકાસમાં તેઓ કડડભૂસ થયા હતા અને પાછા તળિયા પર જઈને બેઠા હતા. જોકે મિડ-કેપ સેગમેન્ટના અન્ય સેક્ટોરલ શેર્સમાં ભલે કોઈએ રસ ના દર્શાવ્યો હોય પરંતુ શુગર શેર્સમાં ટ્રેડર્સે ખરીદી કરી હતી અને શેર્સ લાંબો સમય તળિયા પર ટકી રહ્યા નહોતા અને તબક્કાવાર સુધરતા રહ્યા હતા.
ઊંચો સુધારો દર્શાવનાર અન્ય શુગર શેર્સમાં અવધ શુગર(178 ટકા), બલરામપુર ચીની (174 ટકા), દાલમિયા શુગર (144 ટકા), ત્રિવેણી એન્જિ (123 ટકા), ઉત્તમ શુગર (120 ટકા), દ્વારકેશ (103 ટકા), મવાના શુગર (70 ટકા), બજાજ હિંદુસ્તાન(60 ટકા) અને કોઠારી શુગર (55 ટકા)નો સમાવેશ થાય છે. એકાદ-બેને બાદ કરતાં તમામ શુગર શેર્સ સુધારો દર્શાવી રહ્યા છે.
સુધારો દર્શાવનાર શેર્સમાં રેણુકા શુગર માત્ર 9 ટકા રિટર્ન સાથે છેલ્લા ક્રમે આવે છે. જ્યારે થિરુઅરુરન શુગર અને રાણા શુગર જેવા શેર્સ મંગળવારે સુધારો દર્શાવ્યા હતા પરંતુ ગણતરીમાં લીધેલા સમયગાળા દરમિયાન ઘસાતા રહ્યા હતા.
શુગર શેર્સમાં ફંડામેન્ટલ્સની વાત કરીએ તો હજુ પણ સરકારી નીતિ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે પરંતુ છેલ્લાં કેટલાંક ક્વાર્ટર્સમાં કેટલીક શુગર કંપનીઓની બેલેન્સ શીટમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. જેમાં તેમણે ઊંચી કેશ જનરેટ કરી છે અને ઋણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાવ્યો છે. જે કંપનીઓ આમ નથી કરી શકી તેમાં બજાજ હિંદુસ્તાન અને રેણુકા શુગરના શેર્સ બજારમાં અન્ય હરીફ કંપનીઓના શેરની જેમ પર્ફોર્મ પણ નથી કરી શક્યા.