મશહૂર કોફી ચેન કેફે કોફી ડે (CCD)ના માલિક અને પૂર્વ વિદેશ મંત્રી એસએમ કૃષ્ણાના જમાઈ વીજી સિદ્ધાર્થનો મૃતદેહ નેત્રાવતી નદીમાંથી મળી આવ્યો છે. તેઓ સોમવારથી ગુમ હતાં. સિદ્ધાર્થના ડ્રાઈવરના નિવેદન બાદ તેમણે નદીમાં કૂદીને આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. સિદ્ધાર્થની શોધ માટે પોલીસકર્મી, તટરક્ષક દળ, મરજીવા અને માછીમારો સહિત 200 લોકો કાર્યરત હતાં.
પોલીસના જણાવ્યા પ્રમાણે નેત્રાવતી નદીના કિનારે હોઈઝ બાઝાર પાસેથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.અને પોસ્ટ મોર્ટમ માટે અનલોક હોસ્પિટલ ખાતે ખસેવામાં આવ્યો છે.
પુલથી ગુમ થવાનો નોંધાયો હતો કેસ
આ અગાઉ સિદ્ધાર્થના ડ્રાઈવરે મેંગ્લુરુમાં એક પોલીસ સ્ટેશનમાં તેઓ પુલ પરથી ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. કહેવાય છે કે સિદ્ધાર્થ બિઝનેસ મામલે સોમવારે ઈનોવા કારથી ચિકમંગલુરુ ગયા હતાં. ત્યારબાદ તેઓ કેરળ જઈ રહ્યાં હતાં. પરંતુ મેંગ્લુરુના એક નજીકના નેશનલ હાઈવે પર તેમણે ડ્રાઈવરને કાર રોકવા જણાવ્યું અને ગાડીમાંથી ઉતરી ગયાં.
ફોન સ્વિચ થતા પરિવારને સૂચના આપી
ડ્રાઈવરે પરિવારના સભ્યોને જણાવ્યું હતું કે નેશનલ હાઈવે પર જેપીના મોગારુ નામની જગ્યાએ તેમણે ગાડી રોકવા માટે જણાવ્યું હતું. તે સમયે તેઓ ત્યાં કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યાં હતાં. તેઓ ગાડીમાંથી ઉતરી ગયા બાદ ડ્રાઈવરને તેમણે રાહ જોવાનું કહ્યું હતું પરંતુ અડધા કલાક પછી પણ જ્યારે તેઓ પાછા ન ફર્યા તો ડ્રાઈવરે ફોન કર્યો પરંતુ સિદ્ધાર્થનો ફોન સ્વિચ ઓફ આવવા લાગ્યો હતો. ત્યારબાદ ડ્રાઈવરે તરત સિદ્ધાર્થના પરિવારને જાણ કરી હતી.
કોણ છે વીજી સિદ્ધાર્થ?
સિદ્ધાર્થ કર્ણાટકના ચિકમંગલુરુથી આવે છે. તેઓ પૂર્વ વિદેશ મંત્રી એસએમ કૃષ્ણાના સૌથી મોટા જમાઈ હતા. પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસ બાદ તેમણે મુંબઈની જેએમ ફાઈનાન્શિયલ લિમિટેડથી કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ બેંગ્લુરુ શિફ્ટ થઈ ગયાં અને સિવાન સિક્યુરિટીઝ નામની કંપની શરૂ કરી. 2000 માં કંપનીનું નવું નામ ગ્લોબલ ટેક્નોલોજી વેન્ચર્સ રાખવામાં આવ્યું. આ ઉપરાંત તેમણે 1996માં કેફે કોફી ડેની પણ શરૂઆત કરી હતી. ચિકમંગલુરુની કોફી સમગ્ર દુનિયામાં લોકપ્રિય બનાવવાનો શ્રેય તેમને જાય છે.