ગુજરાત સરકારનો પોઝિટિવ નિર્ણય: 20 અપ્રિલથી ઔદ્યોગિક એકમ અને બાંધકામ ક્ષેત્રને કામ શરુ કરવાની શરતી મંજૂરી

ગાંધીનગર:કોરોનાના કેસમાં વધારો નોંધાતા કેન્દ્ર સરકારએ લોકડાઉનનો સમય 3 મે સુધી લંબાવ્યું છે. જો કે વડાપ્રધાનએ કરેલી જાહેરાત અનુસાર રાજ્યમાં 20 એપ્રિલથી કેટલાક ઉદ્યોગોને શરુ કરવા શરતી છૂટ આપવામાં આવશે. આ ઉદ્યોગોએ સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે. જો નિયમોનો ભંગ થશે તો મંજૂરી પરત લેવામાં આવશે.

20 એપ્રિલથી રાજ્યમાં ઔદ્યોગિક એકમો, બાંધકામ ક્ષેત્ર અને અન્ય વ્યવસાયોને શરુ કરવા છૂટ આપવામાં આવનાર છે. આ અંગે મુખ્ય સચિવ અશ્વિનીકુમારે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ઉદ્યોગ સંબંધિત છૂટછાટો તા. ર૦ એપ્રિલથી અમલમાં આવે તે રીતે જાહેર કરી છે તેના અનુસંધાને ગુજરાતમાં પણ આ છૂટછાટો આપવામાં આવશે. જો કે આ છૂટછાટ કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં જ લાગુ કરવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે જિલ્લાકક્ષાએ ઔદ્યોગિક એકમનોને શરુ કરવા દેવાના પાસ ફાળવવા અને અન્ય નિર્ણય લેવા માટે જિલ્લા કલેકટરઓના અધ્યક્ષસ્થાને 7 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે જેમાં જી.આઇ.ડી.સી.ના પણ એક સભ્યનો સમાવેશ થશે અને આ ઉપરાંત શ્રમ અને રોજગાર વિભાગના અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ફેકટરી ઇન્સ્પેકટર, મ્યુનિસીપલ કોર્પોરેશન વિસ્તારમાં નાયબ મ્યુનિસીપલ કમિશનર તેમજ સભ્ય સચિવ તરીકે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સમિતિ ભારત સરકારની ગાઇડલાઇન મુજબ ઔદ્યોગિક એકમો ચાલુ કરવાની મંજુરી આપશે. તા. ર૦ એપ્રિલથી પૂરતી તકેદારી જે જગ્યાએ કામ શરુ થશે ત્યાં થર્મલ ગનથી કર્મચારીની તપાસ, ફરજિયાત માસ્કનો ઉપયોગ, સેનિટાઇઝેશન, સોશિયલ ડીસ્ટનસીંગ, અલગ અલગ લંચ ટાઇમ અને કોઈપણ રીતે ભીડ એકત્ર ન થાય તે વાતની તકેદારી રાખવી પડશે. જો આ નિયમોનું પાલન નહીં થાય તો એકમને તુરંત બંધ કરાવી દેવામાં આવશે.

આ ઉપરાંત બાંધકામ ક્ષેત્ર સહિતના એકમોએ ખાસ તકેદારી રાખવાની છે તેમને ત્યાં હોટસ્પોટ જાહેર કરેલા વિસ્તારમાંથી કોઇપણ કર્મચારી, શ્રમિક કામ પર ન આવે. આ વાતનું ધ્યાન સમિતિએ પણ રાખવું પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here