ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઇને કારણે, સોમવારે શરૂઆતમાં વેપારમાં યુએસ ડોલર સામે રૂપિયો 12 પૈસા મજબૂત થઈને 77.93 થઈ ગયો છે.
અગાઉના સત્રમાં રૂપિયો પાંચ પૈસા સુધરીને 78.05ની સપાટીએ બંધ રહ્યો હતો. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે વિદેશી ફંડ દ્વારા વેચવાલી, સ્થાનિક ઇક્વિટી માર્કેટમાં નબળા વલણ અને વિદેશમાં મજબૂત થતાં ડોલરના કારણે રૂપિયાના ફાયદા પર અંકુશ આવ્યો છે.
ઇન્ટર બેંક ફોરેન કરન્સી એક્સચેન્જ માર્કેટમાં યુએસ ડોલર સામે રૂપિયો 77.98 પર મજબૂત ખુલ્યો હતો. પછી તે વધીને 77.93 ની કિંમતે પહોંચ્યો, જે અગાઉના બંધ ભાવ કરતાં 12 પૈસાનો વધારો દર્શાવે છે. છેલ્લા કેટલાક દિવસોથી રૂપિયાની મૂવમેન્ટમાં સુધારો જોવા મળી રહ્યો છે, જો કે તે સુધરતાની સાથે જ કેટલાક બાહ્ય કારણો આવીને તેના ફાયદામાં ઘટાડો કરે છે.
દરમિયાન, ડોલર ઇન્ડેક્સ, જે છ મુખ્ય ચલણો સામે યુએસ ડોલરની સ્થિતિ દર્શાવે છે, તે 0.30 ટકા ઘટીને 104.38 થયો હતો. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.26 ટકા ઘટીને 112.83 ડોલર પ્રતિ બેરલ થયું છે. આજના કારોબારમાં, BSE સેન્સેક્સ 109.61 પોઈન્ટ અથવા 0.21 ટકાના વધારા સાથે 51,470.03 પર ખુલ્યો. NSE નો નિફ્ટી 41.00 પોઈન્ટ અથવા 0.27 ટકાના વધારા સાથે 15,334.50 પર ખુલવામાં સફળ રહ્યો છે.