દેશમાં આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદની સંભાવના ઘણી ઓછી જોવા મળી રહી છે. જોકે કેટલાક રાજ્યોમાં થોડો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પૂર્વ ભારત, બિહાર અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગમાં 17 ઓગસ્ટ સુધી વરસાદ પડી શકે છે જે ત્યારબાદ ઓછો થશે.
મોસમ વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના કેટલાક રાજ્યો જેમ કે પંજાબ હરિયાણા રાજસ્થાન અને મધ્ય ભારત અને મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 15 ઓગસ્ટ સુધી હળવો વરસાદની સંભાવના બની રહી છે. તામિલનાડુમાં 11 થી14 ઓગસ્ટ અને કેરળમાં 11 થી 12 ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદ થઇ શકે છે. મોસમ વિભાગે જણાવ્યું છે કે દેશભરમાં ચોમાસાની આગામી પાંચ દિવસો દરમ્યાન ખાસ સંભાવના નથી અને ચોમાસુ કમજોર પડ્યું છે.
પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના ગંગા નદી વિસ્તારમાં 11 થી 14 ઓગસ્ટ દરમિયાન વરસાદની સંભાવના વધારે જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 1 જૂનથી 10 ઓગસ્ટ સુધીમાં વરસાદ સરેરાશ પાંચ ટકા ઓછો પડયો છે. પશ્ચિમ હિમાચલ ક્ષેત્રમાં પણ આવનારા પાંચ દિવસમાં ખાસ વરસાદની સંભાવના નથી. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તેમ છે.
ગુજરાતમાં સામાન્ય વરસાદની સરખામણીમાં આ વર્ષે 45 ટકા વરસાદ ઓછો જોવા મળી રહ્યો છે. જેને કારણે ગુજરાતના અનેક ડેમોમાં પાણીનું સ્તર ઘટી ગયું છે. ગુજરાત રાજ્યના 200થી વધારે ડેમો અને જળાશયોમાં પાણીની સપાટી અડધાથી પણ ઓછી જોવા મળી રહી છે. ખેડૂતોનો પાક બચાવવા માટે રાજ્ય સરકારે પણ પાંચ લાખ હેકટર જમીનમાં સિંચાઇ માટેનું પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. મોસમ વિભાગે જણાવ્યું હતું કે ગુજરાતમાં સામાન્ય રીતે 458 MM વરસાદની સરખામણીમાં ચાલુ સીઝનમાં આ સમય દરમિયાન માત્ર 252 મીલીમીટર વરસાદ નોંધાયો છે.
જો કે પૂર્વ કે ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. પ્રયાગરાજ, ચિત્રકુટ, પ્રતાપગઢ, કોસંબી, રાયબરેલી, શ્રાવસ્તી લખનૌ અને સુલતાનપુરમાં ક્યાંકને ક્યાંક હળવાથી ભારે વરસાદ જોવા મળી રહ્યા છે. મોસમ વિભાગના જણાવ્યા અનુસાર 12 ઓગસ્ટ સુધીમાં પૂર્વીય ઉત્તર પ્રદેશના કેટલાક સ્થળો પર ભારે વરસાદ પડી શકે છે.