મધ્ય પ્રદેશ સરકારના પ્રવક્તાએ જણાવ્યું છે કે મધ્યપ્રદેશના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ ચાલુ હોવાથી રવિવારે મોડી સાંજ સુધી મંદસૌર અને નીમચ જિલ્લામાં 46,000થી વધુ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન દ્વારા આગાહી કરવામાં આવી છે કે ઈન્દોર સહિત 10 જિલ્લામાં ભારે વરસાદ પડશે.બંને પાડોશી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે અને જનજીવન સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયું છે.
જનસંપર્કના સંયુક્ત નિયામક મનોજ પથે જણાવ્યું હતું કે, “મંદસૌરના 100 થી 125 ગામોમાં 45,000થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. આમાંથી કેટલાક ગામો સંપૂર્ણ ખાલી થઈ ગયા છે.”
હવામાન વિભાગે જણાવ્યું હતું કે સોમવાર સાંજ સુધી બંને જિલ્લામાં વરસાદથી રાહત થવાની સંભાવના છે.મંદસૌર,નીમચ,આગર માલવા અને અલીરાજપુર વિસ્તારમાં સોમવાર સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. ઈન્દોર સહિત 10 જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
રાજ્ય સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે બચાવ કામગીરી જોરશોરથી ચાલી રહી છે. ભારત હવામાન વિભાગ (આઈએમડી)ની કચેરીના જણાવ્યા અનુસાર મંદસૌરમાં 218 મીમી વરસાદ થયો હતો,જ્યારે નીમચના માણસા શહેરમાં રવિવારે 24 કલાકમાં 243 મીમી વરસાદ પડ્યો હતો.