કેન્દ્રીય મંત્રીમંડળે ખરીફ સિઝન માટે ફોસ્ફેટિક અને પોટાસિક (પી એન્ડ કે) ખાતરો માટે પોષક તત્વો આધારિત સબસિડી (NBS) દરોને મંજૂરી આપી

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ખરીફ સિઝન – 2022 (01.042. 022 થી 30.09.2022) માટે ફોસ્ફેટિક અને પોટાસિક (P એન્ડ K) ખાતરો માટે પોષક તત્ત્વો આધારિત સબસિડી (NBS) દરો માટે ખાતર વિભાગની દરખાસ્તને મંજૂરી આપી છે.

નાણાકીય અસરો:

NBS ખરીફ-2022 (01.04.2022થી 30.09.2022 સુધી) માટે કૅબિનેટ દ્વારા મંજૂર કરાયેલ સબસિડી રૂ. 60,939.23 કરોડ હશે જેમાં સ્વદેશી ખાતર (SSP) માટે નૂર સબસિડી દ્વારા સમર્થન અને DAPનાં સ્વદેશી ઉત્પાદન અને આયાત માટે વધારાનાં સમર્થનનો સમાવેશ થાય છે.

લાભો:

ડી-એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી) અને તેના કાચા માલના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો મુખ્યત્વે કેન્દ્ર સરકાર દ્વારા શોષાય છે. કેન્દ્ર સરકારે ડીએપી પર હાલની પ્રતિ બેગ રૂ. 1650ની સબસિડીને બદલે રૂ. 2501 પ્રતિ બેગની સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે જે ગયા વર્ષની સબસિડીના દરો કરતાં 50%નો વધારો છે. ડીએપી અને તેના કાચા માલના ભાવમાં થયેલો વધારો આશરે 80%ની રેન્જમાં છે. તે ખેડૂતોને સબસિડાઇઝ્ડ, સસ્તું અને વાજબી દરો પર સૂચિત P એન્ડ K ખાતરો પ્રાપ્ત કરવામાં અને કૃષિ ક્ષેત્રને ટેકો આપવામાં મદદ કરશે.

અમલીકરણ વ્યૂહરચના અને લક્ષ્યો:

ખેડૂતોને પરવડી શકે એવા ભાવે આ ખાતરોની સરળ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે P એન્ડ K ખાતરો પર સબસિડી ખરીફ સિઝન-2022 (01.04.2022 થી 30.09.2022 સુધી લાગુ) માટે NBS દરોના આધારે પૂરી પાડવામાં આવશે.

પૃષ્ઠભૂમિ:

સરકાર ખાતર ઉત્પાદકો/આયાતકારો દ્વારા ખેડૂતોને સબસિડીવાળા ભાવે યુરિયા અને 25 ગ્રેડના પી એન્ડ કે ખાતરો ઉપલબ્ધ કરાવી રહી છે. P એન્ડ K ખાતરો પરની સબસિડી 01.04.2010થી અમલી રીતે NBS યોજના દ્વારા સંચાલિત થાય છે. તેના ખેડૂત મૈત્રીપૂર્ણ અભિગમ અનુસાર, સરકાર ખેડૂતોને પરવડે એવા ભાવે P એન્ડ K ખાતરોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે. ખાતર અને ઈનપુટ્સ એટલે કે યુરિયા, ડીએપી, એમઓપી અને સલ્ફરના આંતરરાષ્ટ્રીય ભાવમાં ભારે વધારાને ધ્યાનમાં રાખીને સરકારે ડીએપી સહિતના પી એન્ડ કે ખાતરો પર સબસિડી વધારીને વધેલા ભાવને શોષી લેવાનો નિર્ણય કર્યો છે. ખાતર કંપનીઓને મંજૂર દરો પ્રમાણે સબસિડી આપવામાં આવશે જેથી તેઓ ખેડૂતોને પરવડી શકે એવા ભાવે ખાતર ઉપલબ્ધ કરાવી શકે જે અન્યથા ન હોત.

(Source: PIB)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here