લખનૌ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે તેમનું જૂથ આગામી ચાર વર્ષમાં ઉત્તર પ્રદેશમાં વધારાના રૂ. 75,000 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. આ રોકાણો ટેલિકોમ, રિટેલ અને રિન્યુએબલ બિઝનેસમાં હશે, જે ઉત્તર પ્રદેશમાં એક લાખથી વધુ વધારાની નોકરીઓનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે. અંબાણીએ કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં રિલાયન્સ ગ્રુપે ઉત્તર પ્રદેશમાં લગભગ 50,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
અંબાણીએ શુક્રવારે લખનૌમાં ચાલી રહેલા ત્રણ દિવસીય યુપી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023 ના ઉદ્ઘાટન સમારોહમાં બોલતી વખતે આ ટિપ્પણી કરી હતી, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ હતા. તે ઉત્તર પ્રદેશ સરકારની ફ્લેગશિપ ઇન્વેસ્ટમેન્ટ સમિટ છે. આ મેગા ઈવેન્ટનો ઉદ્દેશ્ય વિશ્વભરના નીતિ ઘડવૈયાઓ, ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો, થિંક ટેન્ક અને નેતાઓને સામૂહિક રીતે બિઝનેસની તકો શોધવા અને ભાગીદારી બનાવવા માટે એકસાથે લાવવાનો છે.
મુકેશ અંબાણીએ કહ્યું કે Jio ડિસેમ્બર 2023 સુધીમાં ઉત્તર પ્રદેશના દરેક નગર અને ગામડાઓને આવરી લેવા માટે 5Gનું તેનું રોલ-આઉટ પૂર્ણ કરશે. તેમણે કહ્યું કે ભારતમાં પ્રાદેશિક અસંતુલન ઝડપથી અદૃશ્ય થઈ રહ્યું છે, જ્યારે શહેરી અને ગ્રામીણ ભારત વચ્ચેનું અંતર પણ અદૃશ્ય થઈ રહ્યું છે.ઉત્તર પ્રદેશ તેનું જીવંત ઉદાહરણ છે. અંબાણીએ કહ્યું કે, શહેરી ભારત અને ગ્રામીણ ભારત વચ્ચેનું અંતર પણ બંધ થઈ રહ્યું છે.મને વિશ્વાસ છે કે ભારત ખૂબ જ મજબૂત વિકાસના માર્ગે છે.તેમણે તાજેતરમાં રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટનો પણ ઉલ્લેખ કર્યો હતો.તેમણે કહ્યું હતું કે, આ વર્ષે બજેટે એક વિકસિત રાષ્ટ્ર તરીકે ભારતના ઉદભવ માટે પાયો નાખ્યો છે.