આર્થિક સંકટ વચ્ચેથી પસાર થઇ રહેલા પાકિસ્તાનને ભલે ચીન અને IMF દ્વારા નાણાકીય સહાયનો ભરોસો મળ્યો હોય પરંતુ મોંઘવારીથી પાકિસ્તાનની પ્રજા ભારે હાલાકી ભોગવી રહી છે. પહેલેથી જ લોટ,દૂધ,શાકભાજીના ભાવ વધારાથી પરેશાન પાકિસ્તાનની પ્રજા પર હવે સરકારે મોંઘવારીનો ફ્યૂલ બોમ્બ પણ ફોડ્યો છે. મોંઘવારીની માર વચ્ચે પાકિસ્તાન સરકારે પેટ્રોલ અને ડીઝલ પણ પ્રતિ લિટરે 19 રૂપિયાનો વધારો ઠોકી બેસાડ્યો છે.
જિયો ન્યૂઝના અહેવાલ પ્રમાણે વર્તમાન પાકિસ્તાન સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એક વધારો મહિનાના આખરી દિવસ એટલે કે 31 જુલાઈના રોજ કરી દેવામાં આવ્યો હતો. વર્તમાન ભાવથી પેટ્રોલમાં 19.95 રૂપિયા અને ડીઝલમાં 19.90 રૂપિયાનો વધારો સરકાર દ્વારા ઝીંકી દેવામાં આવ્યો છે. પહેલેથી મોંઘવારીથી પીસાતી પાકિસ્તાનની પ્રજા પર આ ભાવ વધારો 1 ઓગસ્ટથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે. જે પ્રજા પર એક વધુ ફટકા સમાન છે.
પાકિસ્તાનમાં શાહબાઝ શરીફની સરકાર આવ્યા બાદ આ ભાવ વધારા બાદ પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત એક લિટરે 272.95 પૈસા થઇ છે, જયારે ડીઝલનો ભાવ પ્રતિ લિટરે વધીને હવે 253 થઈ ગઈ છે.
પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી પાકિસ્તાનની જનતા પર તો બોજો વધ્યો છે પણ પાકિસ્તાન સરકાર આ નિર્ણયને રાષ્ટ્રહિત માટે લેવાયેલો નિર્ણય ગણાવે છે. પાકિસ્તાનના નાણાં મંત્રી ઇશાક ડારે જણાવ્યું હતું કે દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારી દેવાયો છે કારણ કે અમારે IMF ની શરતોનું પાલન કરવું પડશે. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાને ભાવ ઓછા કરવાની કોશિશ કરી હતી પણ આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધી જતા પાકિસ્તાનને ભાવ વધારવા પડ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે IMF દ્વારા પાકિસ્તાનને 3 અબજ ડોલરનું એક બેલ પેકેજ આપવાની મંજૂરી આપવામાં આવી છે અને તે રકમ આપતા પહેલા પાકિસ્તાન સરકારને IMF દ્વારા પેટ્રોલમાં કમસેકમ 60 રૂપિયાનો વધારો કરવાની શરત મૂકવામાં આવી હતી અને ત્યારબાદ આ પેકેજ મંજુર કરવામાં આવ્યું છે.