વરસાદનું કહેર બંધ થવાનું નામ નથી લઈ રહ્યો.સમ્રગ ભારત ભારે વરસાદથી પરેશાન છે. પૂરને કારણે દેશના ઘણા રાજ્યોમાં પરિસ્થિતિ હજુ પણ નાજુક રહી છે.
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી બે દિવસમાં 21 લોકોનાં મોત નીપજ્યાં છે. સેનાના હેલિકોપ્ટર વાદળ વિસ્ફોટ બાદ રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. હિમાચલમાં રવિવારે ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 24 લોકોએ જીવ ગુમાવ્યા હતો.
ઉત્તરકાશી જિલ્લાના આર્કોટ, મકુરી અને ટીકોચી ગામોમાં વાદળ ફાટવાના કારણે અનેક મકાનોને નુકસાન પહોંચ્યું છે અને ઓછામાં ઓછા 10 લોકો ગુમ થયાની જાણ છે.
હવામાન વિભાગે આ વિસ્તારમાં વધુ વરસાદની આગાહી કરી હોવાથી ઉત્તરાખંડના અધિકારીઓએ પૂર અને વાદળ ફાટવાનાં પગલે ફસાયેલા લોકોને સ્થળાંતર કરવા માટે અનેક સ્થળોએ બચાવ કામગીરી શરૂ કરી હતી.
યમુના સહિત અન્ય નદીઓ ભયજનક સ્તરે પહોંચી ગઈ હોવાથી દિલ્હી, હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં પૂર ચેતવણી આપવામાં આવી છે. દિલ્હી સરકારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળોએ જવા જણાવ્યું છે કારણ કે યમુનામાં પાણીનું સ્તર જોખમનું ચિહ્ન (205.33 મીટર) પાર કરે તેવી સંભાવના છે.