વલસાડમાં ગઈકાલ રાતથી ભારે વરસાદ ખાબકી પડ્યો હતો. જેને કારણે વલસાડના અનેક તાલુકાઓમાં ઘરો, સ્ટેશનમાં પાણી ભરાયા છે. વલસાડની સાથે નવસારીમાં પણ ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. જેને કારણે વલસાડ અને નવસારીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વલસાડમાં ભારે વરસાદને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.
વાપીમાં પણ વરસાદ વરસ્યો હતો અને 8 ઇંચ વરસાદ પરત તમામ વિસ્તારો પાણી પાણી થઇ ગયા હતા.વલસાડમાં 6 ઇંચ,પારડીમાં 7 ઇંચ અને ધરમપુરમાં પણ 5 ઇંચ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત બરોડામાં અઢી ઇંચ વરસાદ અને સુરતમાં ભારે વરસાદ થતા પાણી પણ ઘુસી ગયા હતા
વલસાડ જિલ્લા કલેક્ટરે જિલ્લાવાસીઓને ભારે વરસાદને પગલે એલર્ટ રહેવાની સૂચના આપી છે. જિલ્લા કલેક્ટર ટ્વિટ કરીને કહ્યું કે, અતિભારે વરસાદની આગાહીને પગલે નદીઓમાં પાણી આવી શકે એમ છે. જેને લઇને નીચાણવાળા વિસ્તારમાં રેહતાં લોકોને એલર્ટ કરાયા છે. લોકોને નદીના તટમાં નહિ જવાની સૂચના અપાઇ છે. તો જિલ્લામાં તમામ અધિકારી સરપંચો તેમજ તલાટીઓને એલર્ટ રહેવાની સૂચના આપી દેવાઈ છે. વરસાદને લઇ તમામ ગતિવિધિ પર ફ્લડ કંટ્રોલ રૂમથી ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમને સતર્ક રહેવા આદેશ કરાયા છે.
નવસારીમાં મોડી રાત્રેથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અવિરત વરસી રહેલ વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારો તેમજ માર્ગો પર પાણી ભરાયા છે. વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. નવસારી જિલ્લાના દરેક તાલુકામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. તો નવસારીના લુન્સીકુઈ મેદાન તળાવમાં ફેરવાઈ ગયું છે.